સમાજકાર્ય વિભાગની શરૂઆત અને વિકાસ
ભારતમાં સમાજકાર્ય શિક્ષણની શરૂઆતને તેના ઇતિહાસના સંદર્ભમાં સમજવી પડે. 17 મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔધોગિક ક્રાંતિએ માનવ સમાજ સમક્ષ અનેક નવી માનો-સામાજિક સમસ્યાઓ સર્જી. જેના ઉકેલ માટે માનવની દાન, શખાવત. પરોપકારની પધ્ધતિઓ નાકામિયાબ બની. સમાજ વિજ્ઞાનોનો વિકાસ થતાં આધુનિક સમાજની સમસ્યાઓના ઉકેલ માટે, વૈજ્ઞાનિક જ્ઞાન આધારિત પધ્ધતિઓનો વિકાસ થયો. જેને વ્યાવસાયિક સમાજકાર્ય કહીએ છીએ. આ વ્યાવસાયિક સમાજકાર્યની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ અને ત્યાર પછી તેનો વધુ વિકાસ અમેરીકામાં થયો. છેલ્લી એક સદીમાં દુનિયાભરના દેશોમાં તેની સ્વીકૃતિ થઈ છે.
ભારતમાં વ્યાવસાયિક સમાજકાર્યના શિક્ષણ ની શરૂઆત 1936 માં ટાટા ઈન્સ્ટિટ્યુમાં થઈ હતી. ગુજરાતમાં 1952માં MSU માં અને તે પછી 1970માં ગુજરાત વિદ્યાપીઠમાં સમાજકાર્યનો અનુસનાતકનો અભ્યાસક્રમ શરૂ થયો. 1920માં ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, તે સમયે દેશની આઝાદી માટે તથા ગ્રામોત્થાન માટે રચનાત્મક કાર્યકરો તૈયાર કરવાનો હેતુ હતો. આઝાદી પછી વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવીને એક વિદ્યાર્થી એક સંસ્થા બની. એટલે કે તેઓ સમાજમાં નોકરી માટે નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં જઈને ગાંધીજીએ બતાવેલા રચનાત્મક કાર્યક્રમો આધારિત સમાજસેવાના કામમાં લાગી જતાં. વિદ્યાપીઠની સુવર્ણ જયંતિ વર્ષે 1970 માં વ્યાવસાયિક સમાજકાર્યનો અભ્યાસક્રમ શરૂ કરવાનું નક્કી થયું. જેનો ઉદ્દેશ એવા સમાજ કાર્યકરો તૈયાર કરવાનો હતો કે જેઓ નવા સમાજની નવરચના માટેના કાર્યો પણ કરે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠના સમાજકાર્યના શિક્ષણમાં વ્યાવસાયિક સમાજકાર્યની વિચારધારા સાથે ગાંધી વિચારધારા પણ શીખવવામાં આવે છે, સમાજકાર્યના ક્ષેત્રોમાં પણ ગાંધીજીએ જેમને છેવાડાના કહ્યા છે તેવા દલિતો, આદિવાસીઓ, અસંગઠીત કામદારો અને ગ્રામ વિકાસ પર વધુ ભાર આપવામાં આવે છે. ઈંગ્લેન્ડ-અમેરિકામાં વિકસેલ સમાજકાર્ય તે દેશકાળની સ્થિતિને અનુરૂપ છે. તેને શરૂઆતમાં તમામ દેશોએ તેજ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો. પરંતુ દરેક દેશની સ્થિતી અને સમસ્યાઓ અલગ છે, તે મુજબ તેના ઉકેલ અને ઉકેલની પધ્ધતિઓ પણ જુદી હોવી જોઈએ તેવા એક વિચારનો જન્મ થયો. સમય જતાં તેમાથી સમાજકાર્યમાં દેશજ/ભારતીયકરણ (Indigenization)નો ખ્યાલ વિકસ્યો. વિદ્યાપીઠમાં આ અભ્યાસક્રમની શરૂઆતથી જ એમ લાગ્યું કે ગાંધીજીની સમસ્યાને સમજવાની, તેના ઉકેલની પધ્ધતિ દેશજ છે. તેથી વ્યાવસાયિક સમાજકાર્યના શિક્ષણમાં ગાંધીવિચારનું પોત મહત્વનુ બનવું જોઈએ, તે દ્રષ્ટિએ જોઈએ તો વિદ્યાપીઠના સમાજકાર્ય શિક્ષણ માં ગાંધીવિચારધારા અને ગ્રામાભિમુખ અભિગમ તેની વિશેષતા રહી છે.
1970માં શરૂ થયેલા સમાજકાર્યના અભ્યાસક્રમે આજે 50 વર્ષ પૂરા કર્યા છે, તે દરમ્યાન બદલાતા સમાજ અને તેની માંગ પ્રમાણે તેમાં સતત બદલાવ આવ્યો છે. MSW, M.Phil. અને Ph.D. સુધીના અભ્યાસ થઈ શકે છે. 2017 થી MSW(Psychiatry) નો અભ્યાસક્રમ પણ શરૂ થયો છે. વિભાગના વિદ્યાર્થીઓ સમાજમાં એક આગવી ઓળખ ધરાવે છે.
સમાજકાર્ય વિભાગનું વિઝન
- ગામડાના અને સમાજના નબળા વર્ગોના અને સંવેદનશીલ વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રતા આપવી, જેઓ અંતરિયાળ વિસ્તારોમાં જઈને સમાજ માટે કાર્ય કરવા તૈયાર થાય.
- મૂલ્યો, વલણો અને કુશળતાઓનું એવું ઘડતર કરવું કે જે ઊંચા પગારોની નોકરી માટેના લક્ષ્યને બદલે સમાજમાં છેવાડાના લોકો માટે કાર્ય કરવા સંવેદનશીલ બને અને તૈયાર થાય.
- રાહત, વિકાસ, પુનઃસ્થાપનના કાર્યો સાથે સાથે સમાજ પરિવર્તન, રચના અને સામાજિક ન્યાયના મુદ્દે સંઘર્ષની ભૂમિકા માટે સમાજકાર્યકરો તૈયાર કરવા.
- સ્વસમજથી સમાજની સમજની પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીનું સારા મનુષ્ય બનવા માટે ઘડતર કરવું.
- વ્યાવસાયિક સમાજકાર્યનું જ્ઞાન અને ગાંધીવિચાર વચ્ચેનાં ઉત્તમ સમન્વય દ્વારા સ્થાનિકથી વૈશ્વિક પ્રશ્નોની સમજ અને સ્થાનિક સ્તરે ઉકેલના પ્રયત્નો માટે અભિમુખ કરવા.
સમાજકાર્ય વિભાગની વિશેષતાઓ
- સમાજકાર્યમાં ક્ષેત્રકાર્ય અને વર્ગ શિક્ષણને સરખો ભાર આપવામાં આવે છે. ક્ષેત્રિય અનુભવો વિદ્યાર્થીઓને સમાજને સમજવામાં, વલણ ઘડતર અને કુશળતાઓ વિકસાવવામાં ઉપયોગી બને છે.
- ખૂબ નિયમિત વર્ગશિક્ષણ અને અનુભવી અધ્યાપકો દ્વારા થિયરીની સરળ ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવે છે.
- વિદ્યાર્થીઓમાં ગુણ કેળવણી માટે અધ્યાપકો સતત સંવાદ કરે છે, તેમની દરેક પ્રવૃત્તિઓમાં તેમની સાથે રહે છે.
- ક્ષેત્રકાર્ય, શિબિર, શૈક્ષણિક પ્રવાસ, કેન્દ્ર્નિવાસ માત્ર પાઠ્યક્રમના ભાગ તરીકે નહીં પણ તેના સ્થળ, સંસ્થા પસંદગી, તેના આયોજન, શીખવાની અને મૂલવવાની પધ્ધતિ ખૂબ જ કાળજીપૂર્વક અધ્યાપકો કરે છે.
- વિદ્યાર્થીઓની પસંદગી વિભાગના વિઝન મુજબ હોય છે, જેથી વિદ્યાથીઓ પસંદગીથી જ આ વિભાગમાં સમજ સાથે અભ્યાસ માટે આવે છે તેથી શીખવાની વૃત્તિ ઊંચાસ્તરે હોય છે.
- બીજી યુનિવર્ષ્ટિઓ શું કરે છે તેમ નહીં આપણે શું કરવું જોઈએ, વિદ્યાપીઠની વિચારધારા મુજબ તેને કેન્દ્રમાં રાખવામા આવે છે .
- વિભાગમાથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ રાજકારણમાં કેન્દ્ર્થી લઈને પંચાયત સ્તરે પણ છે. સરકારી વિભાગોમાં ક્લાસ-1 થી લઈ સમુદાય સ્તરે અને સંસ્થાઓમાં પસંદગી પામે છે. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની સંસ્થાઓ શરૂ કરી છે અને ઉત્તમ ઉદાહરણરૂપ કાર્યો કરે છે.
- વિભાગના વિદ્યાર્થીઓની ઓળખ એવી છે કે તેઓ ક્યારેય કોઈ પણ કાર્યો કરવામાં શરમાતા નથી, પાછા પડતાં નથી, પડકારરૂપ ભૂમિકાઓ કરી શકે છે.
- વિભાગ દ્વારા જોબ પ્લેસમેન્ટનાં પ્રયત્નો થાય છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસપૂર્ણ થતાં પોતાની પસંદગીનું કામ શોધી લે છે.
- વિભાગમાં અનેક સંશોધનો, પ્રોજેક્ટ્સ, કાર્યશાળાઓ, સેમિનાર, તાલીમ થાય છે. જેનો વ્યાપક લાભ વિદ્યાર્થીઓને મળે છે.
અભ્યાસક્રમ
1970 થી સમાજકાર્ય શિક્ષણ ની શરૂઆત થઈ. શરૂઆતમાં MSW માં સ્પેશિયલાઈઝેશન હતું અને સેમેસ્ટર અભ્યાસ પધ્ધતિ હતી. જેમાં તબીબી સમાજકાર્ય, સુધારણાત્મક સેવાઓ, ગ્રામવિકાસ વિષયમાં વિશેષિકરણ હતું. ત્યાર પછી જનરિક કોર્સ બન્યો અને વાર્ષિક પ્રોગ્રામ બન્યો. ફરી યુજીસીના નિયમ મુજબ સેમેસ્ટર પ્રથા દાખલ થઈ છે. તે પ્રમાણે હાલમાં નીચે મુજબ અભ્યાસક્રમની લાક્ષણિક્તાઓ છે.
- ચોઇસબેઝ ક્રેડિટ સિસ્ટમ મુજબ સેમેસ્ટર પધ્ધતિમાં કુલ 103 ક્રેડિટનો અભ્યાસક્રમ છે.
- દરેક પાઠ્યક્રમના હેતુઓ, લર્નિંગ આઉટકમ, મોડ્યુલ, મોડ્યુલમાં દરેક મુદ્દો શિખવાની પધ્ધતિ, સમય અને મૂલ્યાંકન પધ્ધતિ સુનિશ્ચિત થયેલી છે.
- યુજીસીના મોડેલ કરીક્યુલમ પ્રમાણે હોવા ઉપરાંત સ્થાનિક અને વિદ્યાપીઠની વિચારધારા મુજબનો અભ્યાસક્રમ અને શીખવવાની આગવી પધ્ધતિ છે.
- વિદ્યાર્થીઓને વૈકલ્પિક વિષયોની પસંદગી મળે છે, આંતર વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વિષયોની વ્યવસ્થા છે.
- ક્ષેત્રકાર્ય અને વર્ગ શિક્ષણને સમાન ભાર આપવામાં આવેલ છે.
- ચાર સેમેસ્ટર દરમ્યાન 20 વિષયો શીખવવામાં આવે છે, જેમાં સમયાંતરે પરીવર્તન કરવામાં આવે છે.
- મૂલ્યાંકન પધ્ધતિમાં 40ટકા આંતરિક અને 60 ટકા બાહ્ય મૂલ્યાંકન વ્યવસ્થા છે.
વિદ્યાર્થીઓની સીટ
MSW માં 2019 થી 52 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. MSW (Psychiatry) માં 22 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેની શરૂઆત 2017 થી થઈ છે. M.Phil., Ph.D. માં માર્ગદર્શકોની પાસે ખાલી બેઠકો હોય તે મુજબ પ્રવેશ આપવામાં આવે છે.
પ્રવેશ પ્રક્રિયા
MSW
વિદ્યાપીઠનો ઉદ્દેશ ગામડાઓના, આંતરિયાળ વિદ્યાર્થીઓને ભણવાની તક મળે તે છે. સમાજકાર્યના પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો રહે છે, કારણ કે સમાજકાર્યનું શિક્ષણ મેળવ્યા પછી નોકરી મળી જાય છે. તે દ્રષ્ટિએ મોટાભાગના વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ સમાજકાર્યમાં રસરૂચિ, યોગ્ય વલણો અને અભિમુખતા હોય તેઓ જ શિક્ષણ મેળવીને સારા સમાજકાર્યકર બની શકે છે. તેથી પ્રવેશ માટે લેખિત પરીક્ષા, જુથ ચર્ચા અને વ્યક્તિગત મુલાકાતને આધારે મેરીટ બનાવી અનામત સિટોને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવે છે.
M.Phil., Ph.D.
M.Phil., Ph.D. માં જાહેર કરેલી બેઠકો માટે વિદ્યાપીઠના પરીક્ષા વિભાગ દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જેને આધારે મેરીટ યાદી મુજબ પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ સંશોધન દરખાસ્ત રજૂ કરવાની હોય છે, તેને આધારે માર્ગદર્શકની ફાળવણી થાય છે. પ્રથમ સત્રમાં કોર્સવર્કની પરીક્ષા પાસ કરવાની હોય છે અને સંશોધન દરખાસ્ત રજૂ કરીને RAC ની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. M.Phil., Ph.D. અંગેના અધિનિયમને વિદ્યાર્થીઓએ અનુસરવાનું હોય છે.
1970 થી 2019 સુધીમાં MSW- 1172 M.Phil.- 40 Ph.D.- 15 વિદ્યાર્થીઓએ વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાથી અભ્યાસ પૂર્ણ કરેલ છે.
વર્ગ શિક્ષણ અને ક્ષેત્રકાર્ય
અઠવાડિયામાં ત્રણ દિવસ વર્ગ શિક્ષણ અને ત્રણ દિવસ ક્ષેત્રકાર્ય હોય છે. સત્ર-1 અને સત્ર-2 માં વિદ્યાર્થીઓ અમદાવાદની આસપાસના ગામડાઓમાં ક્ષેત્રકાર્ય માટે જાય છે, ત્રીજા સેમેસ્ટરમાં અમદાવાદની સંસ્થાઓમાં ક્ષેત્રકાર્ય કરે છે અને ચોથા સેમેસ્ટરમાં પિસ્તાળીસ દિવસનો કેન્દ્ર્નિવાસ હોય છે.
સમાજકાર્ય શિક્ષણમા મુખ્ય ત્રણ પાયા છે -જ્ઞાન, મૂકલ્યો અને કુશળતાઓ. વિષયોનું જ્ઞાન વર્ગ શિક્ષણ દરમ્યાન અનેકવિધ રીતે આપવામાં આવે છે. જેમ કે વ્યાખ્યાન, પરિસંવાદ, જૂથચર્ચા, વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત, તત્કાલિન ઘટનાઓ અંગેના સમાચારો, લેખોનું નિદર્શન અને તેને આધારે ચર્ચાઓ યોજવી વગેરે દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લામાં છેલ્લી માહિતીથી અવગત કરાવવા એટલુ જ નહીં તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ, મંતવ્ય, સ્પષ્ટ ખ્યાલો પેદા કરવાના પ્રયત્નો થાય છે. વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થીઓ સાથે વધુ આદાન પ્રદાન થાય તે મહત્વનુ માનવામાં આવે છે.
મૂલ્યો અને વલણોના ઘડતરનું કામ ખૂબ અગત્યનું છે અને સૌથી અઘરું છે. સ્નાતક સુધીનું શિક્ષ્ણ મેળવીને આવનાર વિદ્યાર્થીઓ જે સમાજમાં ઉછર્યા છે તે પ્રમાણે તેમના મૂલ્યો અને વલણો બન્યા હોય છે. પરંતુ એક વ્યાવસાયિક સ્માજકાર્યકર તરીકે તેના મૂલ્યો અને વલણો વ્યક્તિગત વ્યવહારના સંદર્ભમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતાને ઉજાગર કરનાર હોવા જોઈએ અને તેની કોઈ પણ પ્રવૃત્તિ, કાર્ય, વ્યવહાર કે વિચારના કેન્દ્રમાં માત્ર મનુષ્યનું હિત જોઈ શકે તેવા વલણો અપેક્ષિત છે. તે દ્રષ્ટિએ મૂલ્યો તથા વલણોનું ઘડતર કે તેમાં પરીવર્તન કોઈ એક પધ્ધતિથી થતું નથી. પરંતુ વિદ્યાર્થિઓ સાથે શિક્ષણના સંદર્ભમાં થતી તમામ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, વિદ્યાર્થી શિક્ષક સંવાદ, અરસપરસ થતાં વર્તન વ્યવહારમાથી થાય છે. જેને માટે વિભાગના અધ્યાપકો હમેશા જાગ્રતપણે પ્રયત્ન કરતાં હોય છે.
વ્યાવસાયિક સમાજકાર્યકર માટે મદદરૂપ થવાની પ્રક્રિયામાં અનેક કુશળતાઓ જરૂરી બને છે, તે કુશળતાઓની ખીલવણી માટે અઠવાડિયામાં ત્રણ દિવસ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય કરે છે. વર્ગ શિક્ષ્ણ દ્વારા મેળવેલ સૈદ્ધાંતિક જ્ઞાનનો ઉપયોગ કરતાં શીખે છે. ક્ષેત્રકાર્ય દ્વારા વિદ્યાર્થીના વલણો ઘડવા, તેમની સંવેદના જગાડવાનું તથા સમસ્યા પ્રત્યે કામ કરવા પ્રેરિત કરવાનું કાર્ય અધ્યાપકો સતત માર્ગદર્શન દ્વારા કરે છે. અભ્યાસ, નિદાન અને સારવારની પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ લોકોની સમસ્યાઓમાં મદદરૂપ થાય છે. તે સિવાય લોકોની અપૂર્ણ જરૂરિયાતો સંતોષવામાં, તેમની ચેતનાને જગાડવામાં, તેમને સમાજ ઉપયોગી કાર્યો કરવામાં દરમ્યાનગીરી કરે છે. આમ કલ્યાણ, વિકાસ, સામાજિક ન્યાય અને નવરચનાના અભિગમને શીખે છે. વિદ્યાર્થીઓ મુખ્યત્વે બાળકો, મહિલાઓ, યુવાનો, અસંગઠીત, કામદારો, દલિતો, વૃધ્ધો, દિવ્યાંગો, માનસિક બીમાર, રોગીઓ, પંચાયત, શિક્ષણ સંસ્થાઓ,સરકારી વિભાગો સાથે કામ કરે છે.
ચોથા સેમેસ્ટરમાં કેન્દ્ર્નિવાસ પિસ્તાળીસ દિવસનો હોય છે. ગુજરાત અને ગુજરાત બહાર પણ સંસ્થાઓમાં કેન્દ્ર્નિવાસ માટે વિદ્યાર્થીઓને મૂકવામાં આવે છે. કેન્દ્ર્નિવાસનો મુખ્ય હેતુ પૂરેપૂરો સમય સંસ્થામાં રહીને સંસ્થાના ઉદ્દેશો, વ્યહરચના, કાર્યક્રમો, નીતિ, સંઘર્ષો અને તેને ઉકેલવાની રીતો, સંસ્થાના કાર્ય પ્રદેશની ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક ઓળખ મેળવે છે. સંસ્થા દ્વારા સોપવામાં આવેલ જવાબદારી અદા કરે છે. ઘણી વખત વિદ્યાર્થીને કેન્દ્ર્નિવાસના અંતે સંસ્થામાં જ નોકરી મળી જાય છે.
સંશોધન
સમાજકાર્ય અનુસ્નાતક, એમ.ફિલ, અને પીએચ.ડી કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન થાય છે. સમાજની વિવિધ સમસ્યાઓ,પોતાના ગામની સમસ્યાઓ પર વિદ્યાર્થીઓ સંશોધન અભ્યાસ કરે છે. અનુપારંગત કક્ષાએ મોટે ભાગે વિદ્યાર્થીઓ સંશોધન પ્રક્રિયા શીખે છે. તથા જે તે અભ્યાસ વિષયની સમસ્યાની ગહનતા તથા તેના વિવિધ પાસાઓને સમજતા થાય છે. આવા સંશોધનો મોટે ભાગે સમસ્યાલક્ષી હોય છે. સંશોધન દ્વારા વિદ્યાર્થીમાં મુલાકાત લેવાની, વર્ગીકરણ કરવાની, વિશ્લેષણ અને અર્થઘટન કરવાની, અહેવાલ લેખનની તથા નિષ્કર્ષ રજૂ કરવાની કુશળતા વિકસે છે. એમ.ફિલ, અને પીએચ.ડીના નિબંધો પુસ્તક સ્વરૂપે પ્રકાશિત પણ થાય છે.
શિબિર અને પ્રવાસ
શિબિર અને પ્રવાસ વિદ્યાર્થીઓને ખૂબ ગમતો કાર્યક્રમ છે, બીજા સત્રમાં દસ દિવસની શિબિર અને ચોથા સત્રમાં દસ દિવસનો પ્રવાસ હોય છે. શિબિરનું આયોજન કોઈ અંતરિયાળ વિસ્તારમાં, કોઈ સામાજિક અન્યાય સામેના આંદોલનો ચાલતા હોય તો ત્યાં લોક સમુદાય સાથે યોજવામાં આવે છે. શિબિરનો ઉદ્દેશ ઊંડાણના ગામડાઓમાં જઈને ત્યાની સામાજિક-સાંસ્કૃતિક સમસ્યાઓ/સ્થિતીને નજીકથી સમજવી, જ્યાં આંદોલનો ચાલે છે ત્યાં સામાજિક ક્રિયા પધ્ધતિનો અનુભવ મેળવવો/શીખવું -અન્યાયના મુદ્દાઓ શું છે? લોકો તેને કેવી રીતે જુએ છે? સ્થાનિક નેતાગીરી શું છે? લોક આંદોલનને મજબૂત કરવા કેવી રીતે ટેકો કરવો/જોડાવું ? તે શીખવાનો છે .આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓનો પરિચય કરવો,ભૌગોલિક સ્થિતિ/સ્થળોનો પરિચય મેળવવો. સંપૂર્ણ આયોજન અને સંચાલન અધ્યાપકના માર્ગદર્શનામા વિદ્યાર્થીઓ કરે છે. શિબિરમાં આયોજન, અને સમૂહજીવનના પાઠ શીખે છે. નેતૃત્વ, સાહસિકતા, જવાબદારી લેવાની ભાવના, નાણાકીય વહીવટ, અહેવાલ લેખન જેવી શક્તિઓ વિકસે છે. તે ઉપરાંત પહાડો ચઢવા, નદીઓમાં/દરિયામાં નહાવું, મસ્તી કરવી, મનોરંજન કરવુ જેવી મજા લૂંટે છે.
પ્રવાસનું આયોજન: પ્રવાસનું આયોજન વિદ્યાર્થીઓ અધ્યાપકો સાથે રહીને કરે છે. પ્રવાસ ગુજરાત, રાજસ્થાન અને ક્યારેક મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવે છે. પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓની મુલાકાત લેવાનો છે. આ સંસ્થાઓ સ્થાનિક પ્રશ્નોનાં સંદર્ભમાં કેવી રીતે કામ કરે છે, તેમની વિચારસરણી, કાર્યપધ્ધતિ શું છે તે જાણવાનો પ્રયત્ન થાય છે. પ્રવાસ દરમ્યાન તક મળે તો સંસ્થાના કોઈ કાર્યક્રમમાં પણ ભાગ લેવાય છે. આ ઉપરાંત જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાય છે, વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ જિંદગીભરનું સંભાર્ણુ છે. નાચગાન, ધિંગા મસ્તી, સ્થાનીક લોકો સાથે મનોરંજન કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓ મજા લૂંટે છે.
પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ કાર્યો
વિસ્તરણ કાર્યોમાં વિભાગ દ્વારા થતાં કાર્યો અને અધ્યાપકો દ્વારા થતાં કાર્યોનો સમાવેશ થાય છે. અધ્યાપકો શિક્ષણકાર્ય ઉપરાંત કોઈ આપત્તિના સમયે રાહત અને પુન;સ્થાપનના કાર્યોમાં વિદ્યાર્થીઓ સાથે જોડાય છે, જેમ કે 2001 ના ભૂકંપ સમયે રાહત અને પુન:સ્થાપનના કાર્યો કર્યા હતા. 2006માં આવેલ સુરતમાં પૂરની સ્થિતીમાં રાહતના કાર્યો કર્યા હતા, આવી અનેક નાનીમોટી આપત્તિઓમાં કામગીરી કરી છે. 1973 માં સાબરમતી નદીમાં આવેલ પુરથી આસપાસના ગામડાઓમાં જે મોટું નુકશાન થયું હતું તેમાં પૂરમાં નાશ પામેલ બે ગામો ફતેહવાડી અને વણઝરને ફરીથી વસાવવાની કામગીરી કરી હતી.
સમાજકાર્યના વિદ્યાર્થીઓ નજીકના ગામોમાં ક્ષેત્રકાર્ય માટે જાય છે ત્યાં તેમની સમાજ ઉપયોગી કામગીરીને ધ્યાનમાં લઈને થલતેજ અને ગોતા ગામમાં ગામ દ્વારા જમીન આપવામાં આવી હતી જ્યાં વિદ્યાપીઠે વિસ્તરણ કેન્દ્ર માટે માકાન બનાવ્યું છે, ત્યાં વિસ્તરણ કેન્દ્ર ચાલે છે. વોકેશનલ તાલીમો, જાગૃતિ માટેના વિવિધ કાર્યો, લાઈબ્રેરી વગેરે ચલાવવામાં આવે છે. સિંગરવા ગામમાં શાળા માટે વ્યક્તિગત જમીન દાનમાં મેળવવામાં વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
વિભાગના અધ્યાપકો વિષે
સમાજકાર્ય વિભાગના અધ્યાપકો પોતાના વિષયોમાં તજજ્ઞ છે તેનો લાભ સંસ્થાઓ અને સરકારના જુદા જુદા વિભાગો દ્વારા લેવામાં આવે છે. વર્ષ દરમ્યાન તેઓ તાલીમો, કાર્યશાળાઓ, સેમિનારોમાં અનેક વ્યાખ્યાનો આપે છે. તેટલું જ નહીં પરંતુ વિભાગ દ્વારા આવા અનેક સેમિનાર, તાલીમો ,કાર્યશાળાઓનું આયોજન થાય છે, જેનો લાભ સમાજના લક્ષિત જૂથો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ મળે છે. વિભાગના અધ્યાપકો દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અધ્યાપકો દ્વારા અત્યાર સુધીમાં 11 જેટલા વિષય અંગેના પુસ્તકો પ્રકાશિત થયા છે, દરેકની પોતાના વિષયમાં તજજ્ઞતા છે, જેનો લાભ સંસ્થાઓ અને સરકારી વિભાગો મેળવે છે. વિદ્યાપીઠમાં પણ જુદી જુદી કમિટીઓ જેવીકે છાત્રાલય સમિતિ, છાત્રાલયમાં મુખ્ય ગૃહમાતા, મહિલાસેલ, વિદ્યાકીય સમિતિઓમાં પદ ધરાવે છે અને ઉપયોગી કાર્યો કરે છે. વિદ્યાપીઠના કાર્યક્રમો જેવા કે યુવા શિબિર, બાળકો માટેની શિબિરોમાં અધ્યાપકો નેતૃત્વ લઈને આયોજન અને સંચાલન કરે છે. તેઓ અન્ય યુનિવર્સિટીઓની બોર્ડ ઓફ સ્ટડીઝમાં સભ્યપદ ધરાવે છે. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પદ સંભાળે છે. સરકારી કાર્યક્રમોમાં કમિટીઓમાં પદ ધરાવે છે.
Name of Faculty | Qualifications | Designation | Experience |
Prof. Anandi Patel | Ph.D | Professor & Head | 26 Years |
Prof. Geeta Vyas | Ph.D | Professor | 38 Years |
Dr. Gulab Patel | Ph.D | Associate Professor | 38 Years |
Mr. Bankim Vasaiya | Ph.D (Cont.) | Assistant Professor | 24 Years |
Dr. Damini Shah | Ph.D | Assistant Professor | 16 Years |
Dr. Manoj Parmar | Ph.D | Assistant Professor | 14 Years |
Dr. Badar Kureshi | Ph.D | Assistant Professor | 9 Years |
Dr. Ishani Patel | Ph.D (NET) | Assistant Professor (Ad Hoc) | 2 Years |
Dr. Vipin Makwana | Ph.D | Assistant Professor (Ad Hoc) | 1 Year |
Dr. Ashok Patel | Ph.D | Project Coordinator | 27 Years |
પ્રોજેક્ટ્સ
સરકારના વિવિધ વિભાગોની અપેક્ષા મુજબ અનેક સંશોધન પ્રોજેકટ,તાલીમ પ્રોજેકટ કરવામાં આવ્યા છે. જેમાં,
- Global fund to fight HIV/AIDS, tuberculosis and Malaria -Counselling component (Global fund)
- Rapid assessment of organizational climate of KGBV, Gujarat, (Aided by UNICEF)
- Commemoration of world day against child Labour, Review and mapping of CCI (aided by UNICEF)
- Review and mapping of CCI (aided by the ministry of women of the child)
- Child helpline 1098 (Ministry of women and child)
વિદ્યાર્થીઓ વિષે
સમાજકાર્યના શિક્ષણની પધ્ધતિ એવી છે કે જેને કારણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધોમાં આવે છે અને પરિણામે એકબીજાને ખૂબ જ નજીકથી ઓળખે છે. એટલું જ નહીં પોતાની જાતને પણ સારી રીતે ઓળખતા થાય છે. અભ્યાસ દરમ્યાન લોકશાહી મૂલ્યો વિષેની સમજ ઘણી પાકી બને છે તેથી તે પ્રમાણે વિદ્યાર્થીઓ જીવનના તમામ ક્ષેત્રોમાં જીવવાનો આગ્રહ રાખતા થાય છે. જેને પરિણામે છાત્રાલયમાં, કોલેજમાં, વિદ્યાપીઠના પ્રશ્નોમાં ક્યાય પણ ભેદભાવ કે અન્યાયની સ્થિતિ જુએ તો ત્યાં તેમના મનમાં વિરોધ પેદા થાય છે અને તે સ્થિતિને બદલવા અગ્રેસર બને છે. જેથી આ વિદ્યાર્થીઓમાં લીડરશિપની ભાવના પેદા થાય છે અને લીડરશિપના ગુણો વિકસે છે. વિદ્યાર્થીઓ પાસેથી ઘણી વખત જાણવા મળે છે કે આ મૂલ્યોની કેળવણી એમના કુટુંબ જીવન અને વ્યાવસાયિક જીવન સુધી વિસ્તરે છે. સમાજકાર્યના વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર થાય તે માટે વિભાગ દ્વારા અનેકવિધ પ્રયત્નો થાય છે અને તેથી બહુમુખી પ્રતિભા વિકસાવવાની તક મળી રહે છે.
વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યે ઊંડી લાગણી ઊભી થાય છે જે તેમણે શીખવાની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી થાય છે. ગામડાઓમાથી આવતા વિદ્યાર્થીઓમાં પ્રાથમિક સમુદાયમાં જે અમેપણાંની લાગણી હોય છે તેવી લાગણી અને નિડરતાના સંબંધો ઉભા થતાં જોવા મળે છે. જેને સમજવામાં ઘણી વખત કેટલાક થાપ ખાઈ જતાં હોય છે. હકીકતમાં તેમાં મોટાભાગે નિર્દોષતા વધુ હોય છે અને ક્યાંક જીવનસાથીની પસન્દગીના હેતુ માટેના સંબધો પણ હોય છે. આ વિભાગમાથી આવા 30 જોડકા જીવનસાથી બન્યા છે, જેનો આનંદ થાય છે. વિદ્યાર્થી જીવન દરમ્યાન કેટલીક વખત મનોસામાજિક સમસ્યાઓ ઉદભવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાના અધ્યાપકો સમક્ષ તેને રજૂ કરે છે અને તેમની સ્થિતિનો સામનો કરવાની શક્તિઓને મજબૂત કરવામાં અધ્યાપકો મદદરૂપ થતાં હોય છે. પ્રથમ વર્ષ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ વચ્ચે પણ એક સારો નાતો હોય છે જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ બીજા વર્ષના વિદ્યાર્થીઓના અનુભવને સ્વીકારે છે અને તમામ મુશ્કેલીઓમાં તેમની પાસેથી મદદ મેળવે છે .
રોજગારીના ક્ષેત્રે વિદ્યાર્થીઓ
રોજગારીના ક્ષેત્રે આજે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની જુદી છાપ ઊભી થઈ છે.વિદ્યાર્થીઓ તેમનું પરિણામ મેળવે તે પહેલા કેટલાક વિદ્યાથીઓ રોજગારી મેળવી લેતા હોય છે. સરકારી અને બિનસરકારી, કંપની ક્ષેત્રમાં ગ્રાસરુટથી મેનેજમેન્ટના વિવિધ સ્તરો પર આજે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ કાર્ય કરી રહ્યા છે. સરકારના જુદા જુદા વિભાગોમાં સમાજકલ્યાણ અધિકારી, સમાજસુરક્ષા અધિકારી, પ્રોબેશન ઓફિસર, ડેપ્યુટી ડાયરેક્ટર, આઇસીડીએસ વિભાગમાં પ્રોગ્રામ ઓફિસર, સીડીપીઓ, મુખ્યસેવિકા, કામદારશિક્ષણ ભવનમાં અધિકારી, સરકારી હોસ્પિટલોમાં, પીએસએમ વિભાગોમાં, ઇસરો, વાસમો, યુએનડીપી, કોર્પોરેશન અને નગરપાલિકામાં તમામ સ્તરે હોદ્દાઓ ધરાવે છે. બિનસરકારી સંસ્થાઓમાં પર્યાવરણ, આરોગ્ય, ગ્રામવિકાસ, મહિલા, બાળકો,અસંગઠીત કામદારો, દિવ્યાંગો, માનસિક ચેલેન્જ વ્યક્તિઓ, વગેરે ક્ષેત્રે કાર્યરત છે. કંપનીઓમાં શ્રમ અધિકારી, એચઆર વિભાગમાં, સીએસઆર વિભાગમાં મેનેજર કક્ષાએ કામગીરી કરી રહયા છે. ત્રિસેક વિદ્યાર્થીઓએ પોતાની સંસ્થાઓ શરૂ કરી છે.
ભુતપૂર્વ વિદ્યાર્થી સંગઠન
ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન બન્યું છે, જે રજીસ્ટર છે. વિદ્યાર્થીઓને નોકરીના સંદર્ભમાં કોઈ પણ અન્યાય થતો હોય, ભરતી પ્રક્રિયામાં ખોટું થતું હોય તો સંગઠન તેના માટે કાર્ય કરે છે. જેમને ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે તેમને બિરદાવવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી, સેમિનારો ગોઠવવા જેવા કર્યો કરે છે.
ભાવિ આયોજન
- વિભાગના અધ્યાપકો દ્વારા વધુ સંશોધન પ્રોજેકટ કરવામાં આવે.
- દરેક અધ્યાપક દ્વારા પોતાના વિષયમાં જેમાં તજજ્ઞતા છે તે અંગે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પરિસંવાદો કરવામાં આવે.
- અધ્યાપકો રાજ્ય બહાર પોતાની તજ્જ્ઞતાના સંદર્ભમાં નિષ્ણાંત તરીકે વધુ કામ કરે.
- વિદ્યાર્થીઓ પણ રાજ્ય બહાર વ્યાવસાયિક કારકિર્દી માટે જતાં થાય તે માટે વધુ એક્સ્પોઝર આપવું.
- અધ્યાપકો MOOC, SWAYAM, EPathshala જેવા પ્રોગ્રામ સાથે જોડાય અને ઈ લર્નિંગ મટિરિયલ ડેવેલોપ કરે.
- વિદ્યાર્થીઓ વધુ ICTનો ઉપયોગ કરતાં થાય.