
સમાજકાર્ય વિભાગની સ્થાપના 1970 માં થઈ હતી, 2020 માં વિભાગનું ગોલ્ડન જ્યુબીલી વર્ષ ઉજવાઇ રહ્યું છે, તે નિમિત્તે 22 ડિસેમ્બરના રોજ પરિવાર મિલન તથા વિભાગના તારલાઓને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. વિભાગમાથી અભ્યાસ કરીને ગયેલા ઘણા ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જેમણે પોતાના કાર્યને જીવન માટે થતું કાર્ય નહીં પરંતુ તેને જીવનકાર્ય માન્યુ છે. વિવિધ ક્ષેત્રમાં તેમણે નવતર પ્રયોગો અને ઉદાહરણરૂપ કાર્યો કર્યા છે. નાની વયે સંસ્થાઓ અને સરકારના વિભાગોમાં ઉચ્ચ સ્થાનો હાંસલ કરીને વિદ્યાપીઠના મૂલ્યો અને વિચારધારાના તેઓ ધારક અને વાહક બન્યા છે. વિદ્યાપીઠના સાચા દૂત બનીને સામાજિક, રાજકીય ક્ષેત્રે પ્રદાન કરી રહ્યા છે. આવા વિરલ તારલાઓને સન્માન કરવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલપતિ સુશ્રી ઇલાબહેન, કુલનાયકશ્રી અનામિકભાઈ તથા વિશેષ મહેમાન તરીકે ડો. મુરલીબહેન ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના ભુતપૂર્વ અધ્યક્ષો શ્રી સુમંતભાઈ મજમુદાર, શ્રી ચંદ્રગુપ્ત સાનન ઉપસ્થિત રહ્યા હતા.