
મારી નઈતાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈતાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફુલાશે નહીં અને ઝાડુ આપશો તો શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઇતાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ના શકે. કેમ કે તેના પ્રત્યેક અંગને કામ મળશે. તેની બુધ્ધિ તથા તેના હાથ સાથે સાથે ચાલશે. લોકો જ્યારે હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ્ય આવશે. – મહાત્મા ગાંધી
વિદ્યાપીઠ ગાંધીજીની નઇતાલીમની બુધ્ધિ, શરીર અને આત્માની કેળવણીના વિચારને અનુસરનારી શૈક્ષણિક સંસ્થા છે. તે રીતે અન્ય વિશ્વ વિદ્યાલયો કરતાં તે જુદી છે, વર્તમાન સમયની જરૂરિયાતો અને તે મુજબની અપેક્ષાઓ લઈને આવતા વિદ્યાર્થીઓને ગાંધીવિયારમાં ઢાળવાનો, તેને ઓપ આપવાનો પ્રયત્ન થાય છે. વિશ્વને કટોકટી વખતે ગાંધીજીના વિચારો સાચા લાગે છે, જ્યારે વિદ્યાપીઠ નિરંતર રીતે પોતાના વિદ્યાર્થીઓની કેળવણી કરી રહી છે. તેથી જ વિદ્યાપીઠનો વિદ્યાર્થી વૈચારિક રીતે, તેના કાર્યોમાં તેની સંવેદનામાં અન્યો કરતાં જુદો તરી આવે છે.