છાત્રાલય અને જીવન

ગૂજરાત વિદ્યાપીઠમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાથી આવે છે, તેમને રહેવા માટે ત્રણ મુખ્ય છાત્રાલયો આવેલા છે. એક વિદ્યાર્થિનીઓ માટેનું છાત્રાલય, જ્યાં 500 વિદ્યાર્થિનીઓને રહેવા માટેની વ્યવસ્થા છે. બીજું અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય છે, જ્યાં 300 જેટલા વિદ્યાર્થીઓ રહી શકે તેટલી વ્યવસ્થા છે અને ત્રીજું શિક્ષણ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓએ માટેનું છાત્રાલય છે જ્યાં 100 જેટલા વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે. છાત્રાલયમાં તમામ ભૌતિક સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં છે. છોકરીઓના છાત્રાલયમાં ગૃહમાતા  અને છોકરાઓના છાત્રાલયમાં ગૃહપતિ હોય છે, જે તમામ વિદ્યાર્થીઓની કાળજી લે છે અને તેમના  જીવન ઘડતર માટે પ્રયત્નશીલ બને છે.

ગાંધીજીએ તો કહ્યું હતું છાત્રાલય એજ વિદ્યાલય. જે ઘડતર વિદ્યાર્થીઓનું છાત્રાલયમાં સમૂહમાં જીવતા થાય છે તે વિદ્યાલયમાં પણ નથી થતું. જેને સમૂહમાં જીવતા આવડે છે, જે એકબીજાનો વિચાર કરે છે, એકબીજાની કાળજી લે છે, પોતાની રહેવાની અને આસપાસની સફાઈ કરે છે, જે સમૂહની જરૂરિયાતો માટે કાર્યકરે છે, જે સૌનું તે પોતાનું માનીને દરકાર કરતાં શીખે છે, જે પરિશ્રમ કરે છે, જે સ્વાવલંબી જીવનના પાઠ શીખે છે તે છાત્રાલય જીવન છે. વિદ્યાપીઠમાં જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ છાત્રાલય જીવનના આ અનુભવો કરાવવામાં અડચણો આવતી જાય છે, તેમ છતાં આખરે અહી આવતો દરેક વિદ્યાર્થી સાચો માનુષ્ય બને તેવા  પ્રયત્નો થાય છે. વિદ્યાર્થીઓ ભણીને જાય છે પછી તેમને  જો સૌથી યાદ આવતું હોય તો છાત્રાલય જીવન અને વિદ્યાપીઠનું  પર્યાવરણ!

વિદ્યાપીઠના પરિસર પર 800 જેટલા છોકરા છોકરીઓ રહે છે, ભણે છે, જેઓ બહારના સમાજમાથી પ્રભાવિત થઈને આવે છે, છતાં છોકારા-છોકરીઓના પ્રશ્નો ખૂબ ઓછા હોય છે, અને તેનો ઉકેલ પણ સંવાદથી લાવવામાં આવે છે.