સમાજકાર્ય વિભાગમાં થયેલા સંશોધન અભ્યાસો 

સમાજકાર્ય વિભાગ, ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત 1970 માં થઈ હતી. સમાજકાર્ય શિક્ષણના ત્રણ મહત્વના આયામ છે – વર્ગ શિક્ષણ, સંશોધન અને ક્ષેત્રકાર્ય. શરૂઆતથી જ દરેક વિદ્યાર્થીએ MSW માં લઘુ શોધ નિબંધ કરવાનો હોય છે. M.Phil અને Ph.D માં સંશોધન મહાનિબંધ કરવાનો હોય છે. સમાજકાર્યમાં દરેક પ્રેક્ટિસનર માટે સંશોધન ખૂબ જરૂરી હોય છે, સમાજકાર્યકર એમાં વિશ્વાસ ધરાવે છે કે સમાજ સતત બદલાય છે, સમાજની સમસ્યાઓનું સ્વરૂપ બદલાય છે, દરેક વ્યક્તિ પરિવર્તનશીલ હોય છે. એટલે જ્યારે સમાજ સાથે કાર્ય કરીએ છીએ ત્યારે આ બદલાવને સમજવો જરૂરી છે. જ્યાં સમાજ કે વ્યક્તિમાં સ્થગિતતા છે તો તેને પણ સમજવાની જરૂર છે. સમાજની વિશેષતાઓને, વૈવિધ્યને, સાંસ્કૃતિક લાક્ષણિકતાઓને, વ્યક્તિ, સમાજના વિકાસને અવરોધક પરિબળોને સમજવા જરૂરી છે. સંશોધન એ કોઈ પણ પ્રેક્ટિસનર માટે પાયાનું કાર્ય છે. સંશોધનો પ્રેક્ટિસ માટેની નવી દિશાઓ આપે છે, સંશોધન સમાજની ઓળખ આપે છે, સંશોધન સામાજિક નીતિઓની તપાસ કરે છે, સંશોધન નવું જ્ઞાન આપે છે. તેથી જ  દરેક વિદ્યાર્થીએ વૈજ્ઞાનિક પધ્ધતિથી સંશોધન કરતા શીખવું જરૂરી છે.

સમાજકાર્ય વિભાગ, ગુજરાત વિદ્યાપીઠની એક આગવી ઓળખ છે, જેના શિક્ષણમાં વ્યાવસાયિક સમાજકાર્યની વિચારધારાની સાથે સાથે ગાંધી વિચારધાર પણ શીખવવામાં આવે  છે. એટલે સ્વાભાવિક રીતે જ સમાજકાર્ય વિભાગના મોટા ભાગના સંશોધનો સમાજના નબળા, પછાત વર્ગો, મહિલાઓ, બાળકો, ગ્રામ્ય સમુદાય, ખેડૂતો, ખેત મજૂરો, સીમાંત જૂથો, લઘુમતી જૂથોની સમાસ્યાઓને સમજવા માટેના, તેમની લાક્ષણિકતાઓના મહત્વના પાસાઓને ઉજાગર કરવા માટેના છે. આવા અભ્યાસો સંસ્થાઓ, સરકારી વિભાગો, નીતિ ઘડનારાઓને એક દિશા આપનારા બને છે. આ અભ્યાસોમાં મૌલિકતા જોવા મળે છે. અહી 1970 થી 2020 સુધીના MSW, M.Phil અને Ph.D ના નિબંધોની યાદી મૂકી છે, આ તમામ નિબંધો વિદ્યાપીઠની લાયબ્રેરીમાં જોઈ શકાય છે.