શૈક્ષણિક શિબિર 

સમાજકાર્ય શિક્ષણમાં દસ દિવસનો શૈક્ષણિક કેમ્પ યોજવામાં આવે છે. જેનો હેતુ કોઈ ભૌગોલિક પ્રદેશની વિશેષતાઓ, તેની સામાજિક, સાંસ્કૃતિક સ્થિતિ અને સમાસ્યાઓ, લોકોની જીવનશૈલી, વિસ્તારમાં કાર્ય કરતી સંસ્થાઓ અને તેમના કાર્યથી વિદ્યાર્થીઓ પરિચિત બને તે છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ એ લોકોની સાથે સહવાસ કરે અને તેમના જીવનની હાડમારીઓ, વાસ્તવિકતાઓની અનુભૂતિ કરે તે હોય છે. વિસ્તારમાં ઉપલબ્ધ સાદી વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓને લોકજીવનનો સાચો અનુભવ  કરાવે છે. વિદ્યાર્થીઓ સમજ કેળવવા માટે સર્વે કરે છે, તેનું વિશ્લેષણ કરે છે, રજૂ કરે છે. વિસ્તારની સંસ્થાઓ, સરકારી વિભાગોનો પરિચય મેળવે છે, તે માટે મુલાકાતો અને વ્યક્તિઓની સાથે વાર્તાલાપ પણ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ  ગ્રામજનો સાથે સાંસ્કૃતિક કાર્યકમો કરે છે અને દસ દિવસમાં તો તેમના મિત્ર બની જાય છે. આ શિબિર તેમને  પ્રત્યક્ષ અનુભવ દ્વારા ઘણું શીખવે છે, જે જીવન પર્યંત તેમની સાથે રહે છે.

આવી શિબિરો કેટલીક વખત જ્યાં કોઈ લોક આંદોલનો ચાલતા હોય છે, ત્યાં વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે, જેથી સામાજિક અન્યાયના મુદ્દાઓ વિષે વિદ્યાર્થીઓની સમજ કેળવાય છે. લોકો જ પોતાના પ્રશ્નોની સામે અવાજ  ઉઠાવે, અહિંસક રીતે લડત આપે અને ન્યાય મેળવવા માટે મથે, તેમાં વિદ્યાર્થીઓ ટેકો પૂરો પાડે છે અને આ સમગ્ર પ્રક્રિયામાં ગાંધીજીની અહિંસક ક્રિયાની પધ્ધતિ શીખે છે, સમાજ પ્રત્યે સંવેદનશીલ બને છે.